Vichar Vistar in Gujarati | વિચાર વિસ્તાર | Gujarati Vichar Vistar

Vichar Vistar in Gujarati: અહી અમે આપની સાથે ગુજરાતી વિચાર વિસ્તાર શેર કર્યા છે. અહી આપવામાં આવેલ વિચાર વિસ્તાર(Vichar Vistar in Gujarati) ખુબજ મહત્વપૂર્ણ છે.

Vichar Vistar in Gujarati

વિચાર વિસ્તાર એ ગુજરાતી ભાષાનું એક અભિન્ન અંગ છે. ગુજરાતી ભાષાની શાળા કે કોલેજો માં લેવામાં આવતી ઘણી બધી પરીક્ષા માં વિચાર વિસ્તાર સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

વિચાર વિસ્તાર ને સામાન્ય રૂપે સમજીએ તો એક એક વિચાર રૂપી કડીનું વિસ્તરણ કરેલું રૂપ છે. અર્થાત એક સુંદર વિચાર જે એક કે બે પંક્તિ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હોય છે. આ વિચાર ને ઉદાહરણ કે અન્ય રૂપે સમજાય તે રીતે વિસ્તાર કરવાની પદ્ધતિ ને વિચાર વિસ્તાર કહેવામા આવે છે.

અહી અમે આપની સાથે કેટલાક મહત્વપૂર્ણ વિચાર વિસ્તાર ઉદાહરણ સ્વરૂપે રજૂ કર્યા છે જે પરીક્ષા સંબંધી ખુબજ ઉપયોગી છે. અહી આપવામાં આવેલ વિચાર વિસ્તાર સંબંધી આપણે કોઈ પ્રશ્ન હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં અમને જણાવી શકો છો.

Vichar Vistar in Gujarati – 1

આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ;
     તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ.

વિસ્તાર:

આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહિ , આદર આપે નહિ અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તોપણ આપણે ન જવું જોઈએ.

દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરનાં પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. ભગવાન શ્રીકૃષ્ણે દુર્યોધનના મહેલના મેવામીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું.

આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહિ. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ.

Vichar Vistar in Gujarati – 2

ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ;
સાધુતા નહિ વાર્ધકયે, વ્યર્થ તો જિંદગીક્રમ.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ માનવજીવનની ત્રણ અવસ્થાનાં આવશ્યક લક્ષણો વર્ણવ્યાં છે. બાળપણનું મુખ્ય લક્ષણ રમતગમત છે. જો બાળકને શૈશવ અવસ્થામાં રમવાનું અને તોફાનમસ્તી કરવાનું ન મળે તો તેનું બાળપણ નકામું ગયું કહેવાય. રમતગમત અને તોફાનમસ્તીનો નિર્દોષ આનંદ લૂંટવો એ જ બાલ્યાવસ્થાનો અમૂલ્ય લહાવો છે.

પરાક્રમ એ યુવાનીનું આવશ્યક લક્ષણ છે. જે યુવાનોમાં ઉત્સાહ, ઉમંગ, તરવરાટ, ખુમારી અને પરાક્રમ કરવાની ભાવના ન હોય તેની યુવાની એળે જ જાય છે. યુવાનમાં કંઈક સાહસ કરી બતાવવાની મહત્ત્વાકાંક્ષા હોવી જ જોઈએ. જે યુવાન માત્ર આનંદપ્રમોદમાં જ તેની યુવાવસ્થા પસાર કરી નાખે, તેની યુવાની વ્યર્થ છે.

વૃદ્ધાવસ્થાનું મુખ્ય લક્ષણ સાધુતા છે. જો વૃદ્ધ માણસને સાધુસંત જેવું સાદું અને સંયમ જીવન જીવવાનું ન ગમે, તેનામાં પરોપકારની ભાવના ન જન્મે અને તેના જ્ઞાનનો સમાજ લાભ ન મળે તો તેનું જીવન પણ વ્યર્થ છે.

Vichar Vistar in Gujarati – 3

દુર્જન દીઠાં મ્હાલતાં, સંત શૂળીએ જાય;
દેવ બન્યાં શું અંધ કે અવળો તોળે ન્યાય?

વિસ્તાર:

આ પંક્તિઓમાં કવિએ આજની દુનિયાનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. આજે દુનિયામાં અવળી ગંગા વહેતી દેખાય છે. કાળાં કર્મો કરનારા દુર્જનો મોજમજા કરતા હોય છે જ્યારે સત્યને માર્ગે ચાલનારા સંતોને શૂળીએ ચડવું પડે છે. આવું વિરોધાભાસી ચિત્ર જોઈને કવિના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ભગવાન પણ અંધ બની ગયો તે આવો અવળો ન્યાય તોળે છે?

સત્યના માર્ગે જનારા ઈસુને વધસ્તંભ પર ચડવું પડ્યું હતું. એ જ રીતે સદપ્રવૃત્તિ કરવા બદલ સોક્રેટિસને ઝેર પીવું પડ્યું હતું. જ્યારે ભ્રષ્ટાચારી અને પાપી લોકો હંમેશાં લીલાલહેર કરતા હોય છે.

Vichar Vistar in Gujarati – 4

નિશાનચૂક માફ,
નહિ માફ નીચું નિશાન.

વિસ્તાર:

આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય, પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય ચલાવી લઈ શકાય નહિ.

વિદ્યાર્થીએ ઊંચી ટકાવારીનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપ, શિવાજી અને સુભાષચંદ્ર બોઝની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. તેને ફળીભૂત કરવા માટે આપણે સક્રિય પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ભલે ન આવે, પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી.

પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનો કશો મહિમા નથી.

Vichar Vistar in Gujarati – 5

નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય;
ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.

વિસ્તાર:

આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેને ગુણની કિંમત ન હોય અર્થાત્ જેને ગુણ પારખતાં આવડતું ન હોય તેનો સંગ કરવો ન જોઈએ. તેનાથી આપણી કિંમત ઘટી જાય છે.

કવિ કહે છે કે ચોકમાં પડી રહેલું ચંદનનું લાકડું પણ ઈંધણના લાકડા જેટલી જ કદર પામે છે, કારણ કે તે સામાન્ય લાકડાં સાથે પડેલું હોય ત્યારે લોકો તેને ઈંધણને લાયક લાકડું સમજી લે છે. એ જ પ્રમાણે અજ્ઞાની લોકોના હાથમાં હીરામોતી આવી પડે તો તેઓ એની કિંમત કાંકરા જેટલી જ આંકે છે.જે વ્યક્તિને યોગ્ય માણસની કદર કરતાં આવડતું ન હોય, એવી વ્યક્તિથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ. આવા માણસોનો સંગ કરવાથી યોગ્ય માણસનું પણ અવમૂલ્યન થાય છે.

માણસે કદરહીન વ્યક્તિઓથી સો ગજ છેટે રહેવું જોઈએ અને પોતાના સન્માનનું જતન કરવું જોઈએ.

Vichar Vistar in Gujarati – 6

સજ્જન ઉત્તમ પ્રકૃતિ, શું કરી શકે કુસંગ?
ચંદન વિષ વ્યાપે નહિ લપટ્યો રહે ભુજંગ.

વિસ્તાર:

આ પંક્તિઓમાં કવિ કહે છે કે જે વ્યક્તિ સજ્જન છે, તેને ગમે તેવો કુસંગ પણ અસર કરી શકતો નથી.

કવિ પોતાના વિચારોના અનુમોદનમાં ચંદનવૃક્ષનું ઉદાહરણ ટાંકીને એવું જણાવે છે કે ચંદનના ઝાડ પર રાતદિવસ સાપ વીંટળાયેલા રહે છે. પરંતુ સાપના ઝેરથી ચંદનનું ઝાડ ઝેરી થતું નથી. તે તો અવિરતપણે શીતળતા અને સુગંધ જ ફેલાવતું રહે છે. એ જ પ્રમાણે સજ્જનોના ઉમદા ચરિત્ર અને સાત્ત્વિક સ્વભાવ ૫૨ દુર્જનોના સંગની કોઈ જ વિપરીત અસર થતી નથી. દારૂ, જુગાર, ધૂમ્રપાન વગેરે જેવાં દૂષણો ધરાવતા લોકોની વચ્ચે રહેવા છતાં સાત્ત્વિક પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ પર આ દૂષણોની કોઈ જ અસર થતી નથી. ખરાબ ગણાતા માણસના રંગે તે રંગાઈ જતો નથી, કેમ કે તે સારાનરસાનો ભેદ પારખી શકે છે. જેમ સોનાને કાટ લાગતો નથી તેમ કુળવાન અને ઉમદા માણસો પર દુર્જનની સોબતની ખરાબ અસર પડતી નથી.

Vichar Vistar in Gujarati – 7

સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ;
સીલ લાખ પર દાબતાં ઉત્તમ ઊઠે છાપ.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સજ્જનના સંગનો મહિમા સમજાવવા માટે સીલ અને લાખનું દૃષ્ટાંત આપ્યું છે.

કવિ કહે છે કે સજ્જનના સંગથી આપણાં બધાં દુઃખોનો અંત આવે છે. જેમ લાખને ગરમ કરીને તેના ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઊઠે છે તેમ સજ્જનનો સંગ થતાં આપણું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઊઠે છે. ‘જેવો સંગ તેવો રંગ.’ દુર્જનનો સંગ ક્યારેય લાભદાયી નીવડતો નથી. વાલિયો લૂંટારોય નારદમુનિનો સંગ થવાથી વાલ્મીકિ મુનિ બની ગયો હતો.

સજ્જનોનો સંગ હંમેશાં લાભદાયક હોવાથી આપણે સજ્જનોનો જ સંગ કરવો જોઈએ.

Vichar Vistar in Gujarati – 8

પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.

વિસ્તાર:

આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે.

આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે, એવો એમને દૃઢ વિશ્વાસ હોય છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારાનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે, જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે. સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવી પડતું નથી. ‘ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે’ એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ, કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી જતી નથી, પ્રારબ્ધમાં હોય તોપણ તે મેળવવા માટે અને ઉજ્જ્વળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે.

નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શૉ, ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે.

Vichar Vistar in Gujarati – 9

કડવા હોમ લીમડા, પણ શીતળ તેની છાંય,
બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે. ઉનાળામાં વટેમાર્ગુઓ લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈભાંડુ આપણી સાથે અબોલા રાખે તોપણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે. બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે.

બીજું, આપણાં માબાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવુ જોઇએ; કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમનાં કડવાં વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે.

Vichar Vistar in Gujarati – 10

ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે,
નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓ કવિએ કમળનું ઉદાહરણ આપતાં કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઊગતું હોય પણ એ દેવને ચડાવાય છે. એ જ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે ક્યા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહિ, પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ. કમળ કાદવમાં ઊગે છે પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેને ઉચ્ચ સ્થાને લઈ જાય છે. તેને મંદિરમાં બિરાજેલા દેવને શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં છે.એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદગુણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર એનું જ્વલંત ઉદાહરણ છે. મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો તે તેના હાથની વાત નથી, પરંતુ સારા ગુણો કેળવવા મનુષ્યના હાથની વાત છે. તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે.

આમ, આપણે કોઈ પણ વ્યક્તિના કુળને મહત્વ ન આપતાં તેનામાં રહેલા સદગુણોને જ મહત્વ આપીએ. આપણે પોતે પણ સારા ગુણો કેળવીએ.

Vichar Vistar in Gujarati – 11

સંપત ગઈ તે સાંપડે , ગયાં વળે છે વહાણ ;
ગત અવસર આવે નહિ , ગયા ન આવે પ્રાણ.

વિસ્તાર:

આ પંક્તિઓમાં કવિ કહે છે કે વીતી ગયેલો સમય અને શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ કદી પાછા આવતા નથી. આ બંને તત્ત્વો સૌથી વધુ મુલ્યવાન છે.

નસીબનું ચક્ર સદા ફરતું જ રહે છે. તેથી આપણે ક્યારેક આપણી સંપત્તિ ગુમાવી બેસીએ છીએ. પરંતુ સખત મહેનત કરવાથી તે પાછી પણ મેળવી શકાય છે. વેપાર અર્થે દરિયો ખેડીને દેશાવર ગયેલાં વહાણ તોફાનોમાં સપડાઈ જાય તો કદાચ તેમાંથી હેમખેમ ઉગરી જઈને તે પાછાં આવી શકે છે. પરંતુ વીતી ગયેલો સમય અને શરીરમાંથી ઊડી ગયેલું પ્રાણપંખેરું કોઈ પણ સંજોગોમાં મૂળ સ્થાને પાછાં આવી શકતાં નથી.

આમ, કવિ સમયનું મૂલ્ય આપણને સમજાવે છે. સમય કોઈનીયે રાહ જોતો નથી માટે આપણે સમય વેડફવો ન જોઈએ.

Vichar Vistar in Gujarati – 12

મન મેલાં તન ઊજળાં, બગલા કપટી અંગ,
તેથી તો કાગા ભલા; તનમન એક જ રંગ.

વિસ્તાર:

આ પંક્તિઓમાં કવિએ કહેવાતા સજ્જનોને ઉઘાડા પાડતાં કહ્યું છે કે તેઓ બગલા જેવા કપટી હોય છે. બગલાનું શરીર ઊજળું હોય છે, પરંતુ તેનું મન મેલું હોય છે. નદી કે તળાવમાં તે ધ્યાન ધરીને ઊભેલા તપસ્વી જેવો લાગે છે, પરંતુ તેનું ખરું ધ્યાન માછલાં પકડવામાં જ રહેલું હોય છે. તેના કરતાં તો કાગડો સારો કે જેનાં તન અને મન બંને એકસરખાં જ હોય છે.

આપણા સમાજમાં પણ બગલા જેવા અનેક કપટી લોકો હોય છે. બાહ્ય દેખાવ પરથી તેઓ સજ્જન લાગતા હોય છે, પરંતુ ખરેખર તો તેઓ બદલો લેવાની ભાવનાવાળા ભ્રષ્ટાચારી, લાંચિયા, કાળાંબજારિયા કે દાણચોરો હોય છે. લોકો તેમના બાહ્ય દેખાવથી અંજાઈ જઈ તેમના પર ભરોસો મૂકી દે છે અને અંતે તેમનાથી છેતરાય છે. એના કરતાં જેનાં તન અને મન એક જ રંગે રંગેલાં હોય તેવા દુર્જનો વધુ સારા ગણાય, કારણ કે તેઓ કોઈને છેતરવા માટે સજ્જન હોવાનો દેખાવ કરતા નથી.

આપણે દંભી સજ્જનોને ઓળખી લઈએ તો તેમની લોભામણી જાળમાં ફસાવાનો પ્રસંગ કદી નહીં બને.

Vichar Vistar in Gujarati – 13

પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ;
રાવણ કેરી સિદ્ધિ પણ, પળમાં પામી નાશ.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પૈસા અને પદવીના મદમાં રાચતા લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે પૈસા અને પદવી વિશ્વાસપાત્ર નથી. તે આજે આપણી પાસે હોય પણ કાલે કદાચ ન પણ હોય.

કવિએ આ વાતના સમર્થનમાં રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું છે. રાવણ લંકાનો રાજા હતો. કહેવાય છે કે તેની નગરી લંકા સોનાની બનેલી હતી. આમ છતાં, અભિમાનમાં રાચતા રાવણનો અને તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગી નહિ. તેની કીર્તિ પણ ધૂળમાં રોળાઈ ગઈ. સંજોગો બદલાય ત્યારે કરોડપતિ માણસને પણ રોડપતિ થઈ જવામાં વાર લાગતી નથી. ઉચ્ચ સ્થાન ભોગવતી વ્યક્તિને પણ સંજોગો બદલાતાં પદ છોડવાની નોબત આવે છે.

મનુષ્ય પૈસો અને પદવી મળતાં અભિમાની થવું ન જોઈએ. આ બંને સુખને વિવેકથી ભોગવવાં જોઈએ.

Vichar Vistar in Gujarati – 14

ન્યાય, નીતિ સહુ ગરીબને, મોટાંને સહુ માફ;
વાઘે માર્યું માનવી, એમાં શો ઇન્સાફ!

વિસ્તાર:

કવિએ આ પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને વેધકતાથી રજૂ કરી છે. સમાજમાં બધા કાયદા ગરીબોને અર્થાત્ સામાન્ય પ્રજાને જ લાગુ પડે છે, શ્રીમંતો કે રાજકારણીઓને નહિ.

કવિએ વાઘનું દૃષ્ટાંત આપીને આપણા સમાજની વિષમતા ખુલ્લી પાડી છે. ઘેટાં – બકરાં જેવી ગરીબ પ્રજાથી કોઈ ગુનો થાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવે છે કે ફાંસીએ લટકાવી દેવામાં આવે છે. પણ વાઘ જેવા શ્રીમંતો, રાજકારણીઓ કે એના સ્વજનો કોઈ ગુનો કરે તો તેને છાવરવામાં આવે છે. તેને કોઈ કાયદા લાગુ પડતા નથી. તેને કોઈ શિક્ષા કરવામાં આવતી નથી. ઊલટું એમની વિરુદ્ધ બોલનાર પર ખોટું આળ ચડાવી તેને બદનામ કરાય છે.

સંત તુલસીદાસે કહ્યું છે: શક્તિશાળીમાં કોઈ દોષ હોય જ નહિ. તેમને હાથ લગાડવાનો નહિ કે એની સામે આંગળી પણ ચીંધવાની નહિ. તેઓ પ્રજાને છેતરે, ભ્રષ્ટાચાર કરે, ખુનામરકી કરે કે બળાત્કાર કરે તોપણ પોતાની સંપત્તિ અને સત્તાના જોરે તેઓ નિર્દોષ જ પુરવાર થાય છે. ગુનો એ ગુનો છે. એ ગુનો સામાન્ય પ્રજા કરે, શ્રીમંત કરે કે રાજકારણી કરે, ન્યાય સૌને માટે સરખો હોવો જોઈએ, પણ સમાજમાં સૌને સરખો ન્યાય મળતો નથી.

Vichar Vistar in Gujarati – 15

કે હીન જન્મે નવ હીન માનવ;
કે હીન કર્મે કરી હીન માનવ.

વિસ્તાર:

માણસ હીન એટલે કે નીચા કુળમાં જન્મે તેથી તે હીન કે ખરાબ ગણાવો ન જોઈએ; પરંતુ માણસ કુકર્મ કરે તો એનાથી તે હીન ગણાવો જોઈએ, એમ કહીને કવિએ દબાયેલા, કચડાયેલા અને શોષિત વર્ગની લાગણીને વાચા આપી છે. આ પંક્તિઓમાં ગાંધીવાદી વિચારસરણી જોવા મળે છે.

આપણા દેશમાં શબરી, કર્ણ, એકલવ્ય, બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો થઈ ગયા. તેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા નહોતા, આમ છતાં તેઓ મહાન ગણાય છે. શબરી રામની પરમ ભક્ત તરીકે અમર બની ગઈ. કર્ણને આજે સૌ શૂરવીર બાણાવળી અને દાનવીર તરીકે ઓળખે છે. એકલવ્યને ભલે ગુરુએ પ્રત્યક્ષ જ્ઞાન ન આપ્યું, પણ ગુરુની પ્રતિમા બનાવી, તેમને નજર સામે રાખી તે બાણવિદ્યા શીખ્યો અને ઉત્તમ બાણાવળી તરીકે પંકાયો.

બાબાસાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિભાથી ભારતનું રાજ્યબંધારણ ઘડીને ‘ભારતના રાજ્યબંધારણના ઘડવૈયા’ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. આવા અનેક મહાપુરુષો થઈ ગયા, જેઓ જન્મથી નહિ, પણ તેમનાં કર્મોથી પ્રતિષ્ઠિત થયા છે. આજે એમને સૌ આદરથી યાદ કરે છે.

Vichar Vistar in Gujarati – 16

ત્રણ વાનાં મુજને મળ્યાં: હૈયું, મસ્તક ને હાથ,
બહુ દઈ દીધું નાથ! જા, ચોથું નથી માગવું.

વિસ્તાર :

પ્રસ્તુત પંક્તિઓ મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. એમાં સંતોષી માનવીની ભાવના પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય ત્રણ અંગ – હૃદય, મસ્તક અને હાથ આપ્યાં છે.

માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. આથી વિશેષ કાંઈ પણ પ્રભુ પાસે માગવાની જરૂર રહેતી નથી. ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું, મસ્તક(મગજ–બુદ્ધિ) આપ્યું અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય, મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય અને હાથ દ્વારા પરિશ્રમ કરવાની વૃત્તિ હોય તો માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દૃઢ નિષ્ઠાથી પાર પાડી શકે છે. ભગવાને આ ત્રણ અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખોબે ખોબે આપી દીધું છે.

આ પંક્તિમાં એનો પરમ સંતોષ પ્રગટ કર્યો છે. આથી ખુમારીપૂર્વક કહે છે, જા, ચોથું નથી માગવું.

Vichar Vistar in Gujarati – 17

અમને નાંખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં.

વિસ્તાર:

‘જિંદગીની આગ’ એટલે જીવનનાં કારમાં કષ્ટો તેમજ અસહ્ય વ્યથાઓ. કવિ કહે છે કે અમને ગમે તેવાં કષ્ટ પડે, ગમે તેવી અને ગમે તેટલી પીડા-યાતના ભોગવવી પડે, પણ અમે અમારાં પુરુષાર્થ અને દઢ મનોબળથી આગ (કષ્ટ) ને બાગ (સુખ-આનંદ) માં ફેરવી નાખીશું. આ પ્રકારનું મનોબળ રાખનારા માણસો એમની ઉદારતા, માનવતા, કોમળતા કે પરોપકારની ભાવનાઓથી, જીવનમાં સામાજિક, આર્થિક, રાજકીય કે કુદરતી ગમે તેવી આફત આવી પડે તોપણ મુશ્કેલીઓને દૂર કરે છે.

બુદ્ધ, ઈસુ, ગાંધીજી અને લિંકન જેવા મહાત્માઓનાં જીવનમાંથી આપણને જીવનનું એ બળ મળી રહે છે. જિંદગીની આગમાંથી જ તેઓ બાગમાંના ફૂલની જેમ પોતાની સુવાસ સમાજમાં પ્રસરાવી રહે છે.

Vichar Vistar in Gujarati – 18

મનુષ્યના કર્મની કાલિમાને સમર્થ ધોવા લઘુ અશ્રુબિંદુ.

વિસ્તાર:

આ પંક્તિમાં કવિએ પશ્ચાત્તાપનો મહિમા વર્ણવ્યો છે. મનુષ્યની આંખમાંથી ટપકતું પશ્ચાત્તાપનું એક નાનકડું અશ્રુબિંદુ પણ તેણે કરેલા દુષ્કર્મના કલંકને ધોઈ નાખવા માટે પૂરતું છે.

મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. એટલે મનુષ્યથી અવારનવાર ભૂલો થઈ જાય છે. મનુષ્ય પોતાની ભૂલનો હૃદયથી એકરાર કરે એ પૂરતું છે. ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવા માટે ગંગાજળનો ધોધ વહાવવાની જરૂર નથી. પસ્તાવાનું એક અશ્રુબિંદુ મોટામાં મોટું પાપ ધોઈ નાખવા સમર્થ નીવડે છે. ભૂલ થઈ જાય એ ગુનો નથી, પરંતુ કરેલી ભૂલનો હૃદયથી એકરાર ન કરવો તે ગુનો છે. ગાંધીજીએ બાળપણમાં કરેલી ચોરીની ભૂલ બદલ તેમના પિતાજી પાસે પશ્ચાત્તાપ પ્રગટ કર્યો હતો. જેસલ નામના એક નામીચા બહારવટિયાએ કરેલાં અનેક પાપોનો સતી તોરલ સમક્ષ એકરાર કર્યો હતો. ભૂલોનો એકરાર કર્યા પછી હૃદય નિર્મળ થઈ જાય છે. માનવી એણે કરેલી ભૂલો ફરી ન થાય તેની કાળજી રાખે અને પશ્ચાત્તાપ કરે તો ઈશ્વર જરૂર ભૂલોની ક્ષમા આપે છે.

સાચા હૃદયથી પશ્ચાત્તાપ કરવો એ જ પાપને ધોઈ નાખવાનો એકમાત્ર ઇલાજ છે. તેથી જ કવિ કલાપીએ કહ્યું છે:

“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”

Vichar Vistar in Gujarati – 19

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

વિસ્તાર:

આ પંક્તિઓમાં કવિએ આપણને દૃઢ મનોબળનું મહત્ત્વ સમજાવ્યું છે.

કવિ કહે છે કે, જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચુ હોય છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે. પરંતુ જેનું મન દઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી; તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથી.

‘મન હોય તો માળવે જવાય’, ‘રોતો જાય એ મૂઆના સમાચાર લાવે’ જેવી કહેવતો પણ પ્રસ્તુત પંક્તિઓના હાર્દને સમર્થન આપે છે. જે થવાનું હોય તે થાય, એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં ઇચ્છિત પ્રગતિ સાધી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહેશે કે,

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં.’

આપણે પણ દૃઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી આપણે જરાય ચલિત ન થઈએ.

Vichar Vistar in Gujarati – 20

સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ,
ખીજ્યું કરડે પિંડીએ રીઝ્યું ચાટે મુખ.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે.

કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનું દુ:ખ ભોગવવું પડે છે. જો તે ખિજાય તો આપણા પગે બચકું ભરી લે છે અને જો તે આપણા પર ખુશ થાય તો તે આપણું મોં ચાટવા લાગે છે. એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે. તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે. પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધો તૂટી જાય, તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે. તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતાં પણ અચકાતા નથી. એટલે જ કહેવાય છે કે, ‘મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો.’ અર્થાત્ નાદાન કી દોસ્તી મે જાન કા ખતરા.

આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ .

Vichar Vistar in Gujarati – 21

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પ્રારબ્ધને ભરોસે બેસી રહેનારને પુરુષાર્થનો મહિમા સમજાવવાનો સચોટ પ્રયત્ન કર્યો છે.

જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખાઓમાં હોતી નથી. હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતાં નથી. તે માટેનું ઉદાહરણ આપતાં તે જણાવે છે કે ઇમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે; ચણાયેલી ઇમારત તો એણે કરેલી મહેનતનું પરિણામ છે, એ જ રીતે હસ્તરેખાઓ – ભાગ્ય – ગમે તેટલી બળવાન હોય, પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો જ પડે. ‘પુરુષાર્થ જ પારસમણિ’ છે. માત્ર ઇચ્છાઓ કરવાથી નહિ, ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે.

આપણે ભાગ્યને ભરોસે જ બેસી ન રહેતાં સફળ થવા સખત પુરુષાર્થ કરવો જોઈએ.

Vichar Vistar in Gujarati – 22

અંધ ને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો;
એકાંગે પાંગળો અંધ , અન્ન સર્વાંગે પાંગળો.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ અજ્ઞાની માણસ કરતાં અંધ માણસને ઓછો શાપિત ગણાવ્યો છે, કારણ કે અંધજન પાસે માત્ર દૃષ્ટિ જ હોતી નથી જ્યારે અજ્ઞાની પાસે બધાં જ અંગો હોવાં છતાં પોતાની અજ્ઞાનતાને કારણે તે સંપૂર્ણ પાંગળો હોય છે.

આંધળો માણસ અંધાપા સિવાયની બીજી કોઈ લાચારી ભોગવતો નથી. તેનું દુ:ખ આંખો પૂરતું જ મર્યાદિત હોય છે. ઘણા અંધજનો જુદાંજુદાં ક્ષેત્રોમાં કુશળતા પ્રાપ્ત કરીને સફળતાપૂર્વક જીવે છે. તેઓ સાહિત્ય, સંગીત અને હસ્તકલામાં નિપુણતા પ્રાપ્ત કરીને પોતાનો જીવનનિર્વાહ કરે છે. ભક્ત કવિ સૂરદાસ અને વિશ્વવિખ્યાત અંગ્રેજ કવિ મિલ્ટન પણ અંધ હતા. અંધજન રસ્તામાં ક્યારેક જ ઠોકર ખાય છે જ્યારે અજ્ઞાની તો ડગલે ને પગલે ઠોકરો ખાય છે. અંધજન એક જ અંગે પાંગળો હોય છે. જ્યારે અજ્ઞાનીનાં બધાં જ અંગો પાંગળાં હોય છે.

આમ, કવિ કહે છે કે, આપણે જ્ઞાનમાર્ગે આગળ ધપતા રહીએ.

Vichar Vistar in Gujarati – 23

જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના;
પ્રેરે કાર્યો નહિ, ન બલ દે, સોણલાં સોણલાં ના.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે જે વ્યક્તિ ભાવિનાં મધુર સ્વપ્નો જોતો નથી તેની જિંદગી નકામી છે. વળી, જે સ્વપ્નો વ્યક્તિને કોઈ નોંધપાત્ર કાર્ય કરવાનું બળ અને પ્રેરણા ન આપે તે સ્વપ્નો સ્વપ્નો જ ન કહેવાય.

ધ્યેયપૂર્ણ મધુર સ્વપ્નો સેવવામાં આપણને અનેરો આનંદ આવે છે. કવિઓ, લેખકો, વિજ્ઞાનીઓ, યુવાનો વગેરે ભાવિનાં મધુર સ્વપ્નો સેવીને જ પોતાના જીવનમાં ઉલ્લાસ રેડે છે. કેવળ સ્વપ્નદ્રષ્ટા બની રહેવાથી આપણું જીવન સફળ થતું નથી. પરંતુ એ સ્વપ્નો મનુષ્યને પ્રચંડ પુરુષાર્થ કરવાની પ્રેરણા પણ આપતાં હોવાં જોઈએ અને એ સ્વપ્નો સાકાર કરવા માટે મનુષ્યે સખત પરિશ્રમ પણ કરવો જોઈએ.

આપણે મધુર જીવન માટે સ્વપ્નો સેવીએ અને તેને સાકાર કરવા માટે સખત પરિશ્રમ પણ કરીએ એવું કવિ ઇચ્છે છે.

Vichar Vistar in Gujarati – 24

આજ કરશું, કાલ કરશું, લંબાવો નહિ દહાડા;
વિચાર કરતાં વિઘ્નો મોટાં આવે વચમાં આડાં.

વિસ્તાર:

આ પંક્તિઓમાં કવિ કોઈ પણ કાર્ય તાત્કાલિક અથવા સમયસર કરી લેવાની સલાહ આપે છે. કોઈ પણ સત્કાર્ય કરવામાં લાંબો સમય વિચાર કર્યા કરવો એ ખોટું છે. વિચાર કરતાં દિવસો ગાળવાથી કોઈક વાર અનેક વિઘ્નો આડાં આવતાં હોય છે અને પછી તે કાર્ય કદી થઈ શકતું નથી. તેથી કોઈ પણ કાર્યનો અમલ તાત્કાલિક કરવો જોઈએ.

કબીરે પોતાની પ્રસિદ્ધ સાખીમાં પણ આ જ સલાહ આપી છે.

“કલ કરે સો આજ કર, આજ કરે સો અબ”

Vichar Vistar in Gujarati – 25

ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને,
પ્રીત મીરાંની નથી, નરસિંહનું કીર્તન નથી.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ મીરાંની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમલક્ષણાભક્તિનો મહિમા ગાયો છે તથા પોતાની પાસે એવી ભક્તિ નથી એનો સ્વીકાર કર્યો છે.

કવિ કહે છે કે આપણે પણ ઝેરનું અમૃત બનાવી શકીએ; પરંતુ તેને માટે આપણી પાસે મીરાંના જેવી અનન્ય પ્રીતિ અને નરસિંહના જેવી અસાધારણ ભક્તિ હોવી જોઈએ. મીરાં શ્રીકૃષ્ણના પ્રેમમાં દીવાની હતી. તેની પ્રેમભક્તિથી વશ થઈને ગિરિધર ગોપાલે મીરાંને આપવામાં આવેલા ઝેરને અમૃત બનાવી દીધું હતું. નરસિંહ મહેતાના કીર્તનમાં પણ એવી જ અસાધારણ પ્રેમલક્ષણાભક્તિ હતી. તેમણે કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી. તેથી તેમનાં અનેક કામોમાં કૃષ્ણે તેમને મદદ કરી હતી. ભગવાન ભક્તવત્સલ છે. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને હાજરાહજૂર રહે છે.

આમ, પ્રભુને પામવા માટે પ્રેમભક્તિનો માર્ગ કવિને શ્રેષ્ઠ જણાયો છે.

Vichar Vistar in Gujarati – 26

નીચ દષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય,
શત લાંઘણ જો સિંહ કરે, તોય તૃણ નહિ ખાય.

વિસ્તાર:

આ પંક્તિઓમાં સિંહના ઉદાહરણ દ્વારા આપણને સદાચારી અને સંસ્કારી માણસોના મનોબળનું દર્શન થાય છે. સિંહને સો દિવસના ઉપવાસ કરવા પડે તોપણ તે ભૂખથી લાચાર થઈને ક્યારેય ઘાસ ખાતો નથી. આવી રીતે અનેક મુસીબતો આવી પડે તોય સંસ્કારી માણસ ક્યારેય પોતાનાં નીતિ અને ધર્મ ચૂકતો નથી. તે મરવાનું પસંદ કરશે પરંતુ કદી હલકાં કામ કરવા માટે તૈયાર નહિ થાય.

કેટલાક લોકો પોતાના અંગત લાભ માટે ગમે તેવાં હલકાં કામો કરવા પણ તૈયાર થઈ જાય છે. એમ કરતાં પોતાના સમાજને, દેશને નુકસાન થતું હોય તો તેની પરવા પણ તે કરતા નથી! દાણચોરો, કાળાંબજાર કરનારાઓ અને ભ્રષ્ટાચારી લોકો આ હલકા વર્ગમાં આવે છે. મહારાણા પ્રતાપ અને ભામાશા જેવા વીરલાઓ સદાય નીતિને માર્ગે જ ચાલે છે. આવા લોકો મહામાનવો તરીકે પૂજાય છે.

આપણે પણ સત્ય અને નીતિના માર્ગે ચાલવું જોઈએ. આપણા જીવનમાં ગમે તેવી મુસીબતો આવે તોપણ આપણે સત્યના માર્ગથી વિચલિત ન થવું જોઈએ.

Vichar Vistar in Gujarati – 27

ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ.
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.

વિસ્તાર:

આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે.

જીવનની ઘટમાળ ઊંચીનીચી ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. આમ, આપણું જીવન પણ સુખદુ:ખથી ભરેલું છે. મીરાંબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યાં પણ રહેવું પડે. રાતદિવસ, તડકોછાંયડો, અમાસપૂનમની જેમ સુખદુઃખ એ માનવજીવનનો નિશ્ચિત ક્રમ છે.

સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતાં નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ એ જ આ પંક્તિઓનો સાર છે.

Vichar Vistar in Gujarati – 28

રેલાઇ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિંધુના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી.

વિસ્તાર:

પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સિધુ (સમુદ્ર) ના ઉદાહરણ દ્વારા આપણને મહાન પુરુષોના હૃદયની વિશાળતાનાં દર્શન કરાવ્યાં છે.

પૃથ્વી પરની ખારાશ નદીઓને માર્ગે સાગરમાં વહી જાય છે. નદી, નાળાં પોતાની સાથે રેતી, કાંકરા, માટી, કાદવ, કચરો, ગંદકી વગેરે ઘસડી જઈને સાગરમાં ઠાલવે છે. સાગર પોતાના વિશાળ પેટાળમાં તેને સમાવી લે છે. સાગરનું દિલ ઉદાર છે. તે જગતભરની ખારાશને પોતાના અંતરમાં સમાવીને જગતને મધુર સ્વાદવાળા પાણીથી ભરેલાં વાદળાં ભેટમાં આપે છે. આ વાદળાં વસે છે ત્યારે તેનાં મીઠા જળથી જગતની તરસ છીપે છે.

અહી અમે આપની સાથે વિચાર વિસ્તાર(Vichar Vistar in Gujarati) શેર કર્યા છે. અહી શેર કરવામાં આવેલ વિચાર વિસ્તાર એ પરીક્ષા ની દૃષ્ટિએ પણ ખુબજ ઉપયોગી બને છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલ આ સુવિચાર અને વિચાર વિસ્તાર આપને ગમ્યા હશે. આ વિચાર વિસ્તાર સંબંધી આપને કોઈ પ્રશ્ન હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં અમને જણાવી શકો છો.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment