ગુજરાત માં વિવિધ પ્રકાર ના ભરતકામ થાય છે જેવાકે, મોચીભરત, કાઠીભરત, આહિર ભરત, કણબીભરત, મહાજનભરત, મોતીભરત. આ તમામ પ્રકાર ના ભરતકામ માં કચ્છ અને સૌરાષ્ટ્ર ની બહેનોનું વિશેષ યોગદાન છે. મોચી, લોહાણા, જત, સિંધી, આહીર, મતવા, મેર, કાઠી, કણબી, સથવારા, રબારી, અને ઓસવાળ જ્ઞાતિ ની બહેનો નું યોગદાન ભરતકામમાં બેનમૂન છે.
ગુજરાત માં પ્રચલિત ભરતકામ ના પ્રકાર
- મોચી ભરત
- કાઠી ભરત
- આહિર ભરત
- કણબી ભરત
- મહાજન ભરત
- મોતી ભરત
ઉપર દર્શાવેલ ભરતકામ માં તે વિશેષ જ્ઞાતિ ની બહેનો વધુ ઉપયોગ કરે છે. હવે ઉપર ના પ્રકારો ને થોડા વિસ્તાર થી સમજીએ.
કણબી ભરત:
ભાવનગર ના ગારિયાધાર તાલુકા ના વિસ્તાર માં આવેલ કણબી બહેનો, ઘાઘરો અને ચોળી, ચંદરવો, બાર સાખીયા, બળદ ની જૂલ વગેરે પર આ ભરતકામ કરે છે. લાલ અને ભૂરા રંગ ના કાપડ નો આ કામ માં વિશેષ ઉપયોગ થાય છે.
મોતી ભરત:
આ પ્રકાર ના ભરતકામ માં મોતી ની વિશેષ પ્રકાર ની ગૂંથણી કરવામાં આવતી હોય છે. ગુજરાત ના સૌરાષ્ટ્ર વિસ્તાર ની બહેનો આ કામ ખુબજ સરસ રીતે કરી જાણે છે. મોતી ભરત વડે તોરણ, ઈંઢોણી અને ચાકળા બનાવવામાં આવે છે.
મોચી ભરત:
કચ્છ ની બહેનો આ પ્રકાર ના ભરતકામ માં ખુબજ પારંગત હોય છે. માંડવી ની મોચી બહેનો, ખાવડા બહેનો સાથે બન્ની વિસ્તાર ની જત અને મતવા બહેનો મોચી ભરતકામ માં સંકળાયેલ છે. મોચી ભરત ને આરી ભરત તરીકે પણ ઓળખાય છે.
બન્ની વિસ્તાર માં આવેલ જત બહેનો “કજરી” પર “મોચી ભરતકામ” કરે છે.
મહાજન ભરત:
આ પ્રકાર ના ભરતકામ માં ઓસવાલ વણિક અને સોની જ્ઞાતિ ના લોકો ખુબજ પ્રમાણ માં જોડાયેલા હોય છે. મહાજન ભરતકામ માં ભૌમિતિક આકાર નો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. ટોડલિયા, ચાકળા અને ભીંતિયા પર તેઓ ભરતકામ કરે છે.
આહિર ભરત:
આ પ્રકાર ના ભરતકામ માં આભલાનો વિશેષ ઉપયોગ થાય છે. આભલા સાથે તેઓ પીળા પોત પર બુલબુલ, ચકલી, પોપટ, અને પૂતળી ની આકૃતિ બનાવે છે. આ ભરતકામ માં જુનાગઢ જિલ્લાની આહીર બહેનો પ્રખ્યાત છે. ચોળી, ચાકળા, પડદા વિગેરે પર તેઓ આ આહીર ભરતકામ કરે છે.
કાઠી ભરત:
આ ભરતકામ માં સૌરાષ્ટ્ર ની કાઠી કોમ ની બહેનો કરે છે. તેઓ આ પ્રકાર નું ભરતકામ હાથ વણાટ ના લાલ રંગ ના કાપડ પર કરે છે. તેમાં ઢોલામારુ, વાછડા દાદા, કૃષ્ણ લીલા જેવા પ્રસંગો ને પોતાની આગવી કળા થી કંડારે છે. આ સિવાય વિવિધ પ્રાણી અને પક્ષી ની આકૃતિ પણ બનાવે છે.
« Back to Glossary Index